Uncategorizedગુજરાતપાટણ
ભલાણા અને કમલીવાડા ગામે પ્રાકૃતિક મોડેલ ફાર્મ નો પ્રેરણા પ્રવાસ અને તાલીમ યોજાઈ
રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતની સમજણ આપવામાં આવી* (માહિતી બ્યુરો,પાટણ) રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી તાલીમ અને પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા યોજના અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસનું આયોજન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજાવવા મોડેલ ફાર્મની મુલાકાત અને તાલીમ આપવામાં આવે છે. પાટણ જિલ્લામાં પણ દરેક તાલુકાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત હારીજ તાલુકાના ભલાણા ગામે પટેલ ઈશ્વરભાઈ દેવચંદદાસના મોડેલ ફાર્મ પર અને પાટણ તાલુકાના કમલીવાડા ગામે રાજપૂત ચેતનસિંહના મોડેલ ફાર્મના પ્રેરણા પ્રવાસ અને ફાર્મ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા તેમજ મિશ્રપાકો તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ પ્રત્યક્ષ ખેતર પર નિહાળી રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતની સમજણ આપવામાં આવી હતી. મોડેલ ફાર્મ પર જિલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી વિષયક પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતભાઈઓ સાથે બહેનોએ પણ રસ દાખવી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.