Uncategorized
ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી
ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના ખેડૂતે અપનાવી , કઠોળ પાક અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી બમણું ઉત્પાદન અને બમણો નફો મેળવ્યો* ---------------------------------------------- (માહિતી બ્યુરો,પાટણ) હું જીવીશ ત્યાં સુધી આજીવન પ્રાકૃતિક ખેતી કરીશ. આ શબ્દો છે છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રાકેશભાઈ ગોવિંદભાઈ દવેના. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા રાકેશભાઈ દવે એ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાકેશભાઈ દવે તેમની પાંત્રીસ વીઘા જેટલી જમીનમાં નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ અનાજ અને કઠોળ પાકોની સાથે ડુંગળી ,લસણ જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. રાકેશભાઈ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોઇ તેમની જમીન પોચી ભરી ભરી - ફળદ્રુપ બની છે. તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને આખી જિંદગી જીવે ત્યાં સુધી હું પ્રાકૃતિક ખેતી જ કરીશ. પ્રાકૃતિક ખેતી માટે તેમણે આઠ દેશી ગાયો પાળી છે. જેના છાણ અને ગૌ મૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે. દેશી ગાયના છાણ ને સૂકવીને તેઓ ઘન જીવામૃત બનાવે છે. તેને પંદર દિવસમાં અંતરે ખાંપી લેવામાં આવે છે. ત્રીસ થી પાંત્રીસ દિવસે ઘન જીવામૃત બને છે. ગૌ મૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે. પાકની અવસ્થા મુજબ પંદરથી અઢાર કે એકવીશમા દિવસે જીવામૃત આપવામાં આવે છે. હાલમાં તેમણે સરગવો, રાયડો અને ઘઉં પાકોની ખેતી કરી છે. છેલ્લા બે વર્ષથી તેમણે સરગવાની ખેતી તરફ ધ્યાન આપ્યું છે અને સરગવાના બે હજાર છોડનું વાવેતર કર્યું છે. વચ્ચેના પાળામાં તેમણે ઘઉં અને ગાયો માટે ઘાસચારો વાવ્યો છે. સરગવો આયુર્વેદિક રીતે ગુણકારી હોઈ તેઓ સરગવાની ખેતી તરફ વળ્યા છે. સરગવાના પાન અને સિંગોનું તેઓ એક હર્બલ કંપનીને વેચાણ કરે છે. જે કંપની સરગવાના પાનમાંથી પાવડર બનાવવાનું કામ કરે છે. આમ સરગવાની તેમને સારી એવી આવક પ્રાપ્ત થાય છે. રાકેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઓછું મળે છે. પરંતુ પછીના વર્ષોમાં ઉત્પાદન પણ વધે છે અને બમણી આવક મળે છે. છેલ્લા નવ વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. આવક કે ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી. ઉલટાનો પ્રાકૃતિક કૃષિ પેદાશોના ભાવ સારો મળવાથી મારી આવક અને નફો બંને વધ્યા છે.પ્રાકૃતિક કૃષિ આધારિત પેદાશો ખાવાથી ગંભીર બિમારીમાંથી મુક્તિ મળે છે. ભાવિ પેઢીને આપણે ઝેર મુક્ત અનાજ આપી તેમને ગંભીર રોગમાંથી ઉગારી શકીએ છીએ. આમ, પ્રાકૃતિક ખેતીના અનેકગણા ફાયદા છે. હું અન્ય ખેડૂતોને પણ મારા ખેતર પર લાવી પ્રત્યક્ષ રૂપે પ્રાકૃતિક ખેતીના ફાયદા બતાવું છું જેથી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.