પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નવા સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકાઓના વિકાસ કામો બાબતે બેઠક યોજાઈ
લોક પ્રભાત ન્યુઝ નરેશ ઠાકર રાધનપુર હારીજ અને ચાણસ્મા નગરપાલિકાના વિકાસ કાર્યોની સમિક્ષા કરાઈ પાટણ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નવા સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાની રાધનપુર, હારીજ અને ચાણસ્મા નગરપાલિકા હસ્તકના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હવે ગામડા, શહેર, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ખૂટતી કડી પૂર્ણ કરી ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પાટણ જિલ્લામાં રાધનપુર, હારીજ અને ચાણસ્મા નગરપાલિકાના રોડ- રસ્તા, સાફ- સફાઇ, પીવાનું પાણી, અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઇન, વરસાદમાં ભરાતા પાણીના નિકાલ જેવા પાયાના પડતર પ્રશ્નોનો ત્વરીત નિકાલ થાય અને લોકોની સુખ-સુવિધામાં વધારો થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ચીફ ઓફિસરશ્રીઓ દ્વારા રાધનપુર ચાણસ્મા અને હારીજ નગરપાલિકાના પડતર પ્રશ્નોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્શાવેલ મુદ્દાઓને તાત્કાલિક પણે નિકાલ કરવા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટે પ્રભારી મંત્રીશ્રીએ અધિકારીઓને અપીલ કરી હતી. રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોરે પીવાના પાણી, રોડ રસ્તા અને રાધનપુર શહેરની સફાઈ અને સંપ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. બેઠકમાં પ્રભારી સચિવશ્રી મમતા વર્મા, જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલકેટરશ્રી એચ.જે પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો શ્રી દશરથજી ઠાકોર ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.