Uncategorizedગુજરાતપાટણ

પાટણ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સ્થળ નિરીક્ષણ સાથે વિકાસ કામો ગુણવત્તા સભર થાય એવું સૂચન કર્યું હતું. આ સાથે વર્ષ ૨૦૨૫-૨૬ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓના પાણી , રોડ, રસ્તા, વીજળી, ગટર લાઇનના વિકાસ કામો, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈઓને આધીન કામો તેમજ બચત રકમમાંથી મંજૂર થયેલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. શંખેશ્વર, ચાણસ્મા, હારીજ, રાધનપુર અને સમી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ અંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા મળેલી રજૂઆતનું ઝડપી નિરાકરણ માટે સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનની સ્થિતિ, ગામડાઓમાં લાયબ્રેરી છે કે નહિ, છે તો તેની સ્થિતિ, ઇ - લાયબ્રેરીનો ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ?, વરસાદી પાણીના નિકાલ ની સ્થિતિ, કેચ ધ રેઇન અંગે જાગૃતિ, ટેન્ડર મંજૂર થયા બાદ કામની સ્થિતિ ચકાસવા ખાસ તાકીદ કરી હતી. વધુમાં તેમણે હીટ વેવ સામે વહીવટીતંત્ર નાગરિકોને સાવધાન કરવા જરૂરી પગલાં લેવા, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ગરમીમાં છાંયડો, અને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા તેમજ શાળાઓમાં બાળકો માટે ગરમીથી રક્ષણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ સુશ્રી હેતલબેન ઠાકોર, પ્રભારી સચિવ શ્રી મમતા વર્મા, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્યશ્રી દીનેશજી ઠાકોર, કલેકટરશ્રી તુષાર કુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, આયોજન મંડળના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!